પાતાળીયા હનુમાનજી!

        ભારત એક વિવિધતા વાળો દેશ છે જેમા હિંદૂ સંસ્કૃતિ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. હિંદૂ સંસ્કૃતિ માં દરેક લોકો પોતાની શ્રધ્ધા પ્રમાણે અલગ અલગ દેવો ને પૂજતા હોય છે એવી જ રીતે આજ હું અહીંયા ગુજરાત ના પીઠવડી ગામ ના  “હનુમાનજી મહારાજ” ની વાત કરી રહી છુ. એવુ કહેવામાં આવે છે કે એ જાત્તે પ્રગટ થયા છે.
        તો ચાલો આ કેવી રીતે થયુ આ પાછળ ની પૂરી વાત તમને જણાવુ,
       પીઠવડી એટલે મારા નાનાજી નુ ગામ. મારા નાનાજી ખૂબ વ્યાવહારિક , ગામ માં જાણીતા માણસ અને ભગવાન ના બહુ સારા ભક્ત. એમણે અને એમના કોઈ કુટુંબી ભાઈ એ મળી ને એક ખેતર માં પોતાનુ કામ ચાલુ કર્યુ. એવા માં એક રાત્રે મારા નાનાજી ને સપના માં હનુમાનજી મહારાજ દેખાયા, અને પોતે એ ખેતર ની આ જગ્યા માં હોવાથી ત્યાં ખોદકામ કરી ને પુરાવો મેળવી લેવાની વાત એમણે મારા નાનાજી ને સપના દ્વારા કહી.
        નાનાજી એ એમની સાથે કામ કરી રહેલા એમના કુટુંબી ભાઈ ને આ વાત જણાવી પણ એમણે આ વાત ને હસી કાઢી અને વાત માનવાનો ઈન્કાર કરીને તેનુ અપમાન કરતા ની સાથે જ એ લપસી પડ્યા અને એમના હાથ માં ગંભીર ઈજા થઈ. રાત નો સમય હોવાને કારણે હોસ્પિટલ જવા માટે મદદ મળવી પણ ઘણી મુશ્કેલ બની ગઈ હતી. ઘણો સમય રસ્તા પર રાહ જોયા બાદ આખરે એક ટ્રક વાળો મદદ કરવા તૈયાર થયો અને હોસ્પિટલ પહોંચી ને તેમને સારવાર મળી. ત્યારબાદ તરત જ નાનાજી ને સપના માં દેખાયેલી ખેતર ની જગ્યા માં ખોદકામ ચાલુ કરાવાયુ અને અચાનક જ ચમત્કાર ની જેમ હનુમાનજી મહારાજ ની મૂર્તિ વાળો પથ્થર મળી આવ્યો. આ ચમત્કાર ને કારણે ગ્રામીજનો માં કોલાહલ મચી ગયો અને સૌ એ સાથે મળી ને ગામ માં મંદિર બનાવી ને મૂર્તિ ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો.
         જમીન(પાતાળ) માંથી હનુમાનજી દાદા મળ્યા હોવા ને કારણે ભક્તો એ એમને “પાતાળીયા દાદા” નામ આપ્યુ છે. જેના પ્રતિક સ્વરૂપે આજે પણ પીઠવડી ગામ માં મંદિર માં પાતાળીયા દાદા હાજરા-હજૂર બિરાજી રહ્યા છે. અસંખ્ય લોકો એમના મન નાં કોડ અને માનતાઓ પુરી શ્રધ્ધા થી દાદા પાસે લઈ ને આવે છે જેને દાદા તત્કાળ પુરા કરીને ભક્તો ને રાજી કરે છે.
(નીચે બતાવેલો ફોટો પાતાળીયા દાદા નો છે.)


આજે વિજ્ઞાન ઘણુ આગળ નીકળી ચૂક્યુ છે. ઘણા લોકો આવી વાતો પર વિશ્વાસ પણ નહિ કરતા હોય, બધા ના અલગ અલગ મંતવ્યો હોય છે જેમાં કશુ ખોટુ નથી. ભગવાન ના વૈજ્ઞાનિક પુરાવાઓ મળે કે ન મળે પણ ભગવાન “છે” એ વાત મારાથી તો નકારી શકાય એમ નથી જ. મેં પોતે દાદા સાથે આ નજદીકી અનુભવી છે તેથી મને મારો અનુભવ વહેંચવાની ખૂબ ઈચ્છા હતી જે આજ પુરી થઈ. જય પાતાળીયા દાદા!

Comments

Popular posts from this blog

મમ્મી-પપ્પા ને પત્ર..!

મારો પરિચય

तो ये है तापसी पन्नू की सुंदरता का राज़