આ ન્યાય બરાબર છે?


    “રવિ, જો તારા દીકરા એ શું કર્યું છે?” એ નાનું બાળક તેની મમ્મી ની પાછળ સંતાઇને તેના પપ્પાને એક આંખેથી જોઈ રહ્યું હતું.
“મારી પાછળ શા માટે સંતાઈ રહ્યો છે? જા, અને તારા પપ્પાને કહે કે તે શું કર્યું છે.” ગ્રીષ્મા એ કહ્યુ.
“અરે ગ્રીષ્મા, નાના બાળક પર તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે?” રવિ એ બાળકને પોતાની તરફ આવવાનું ઈશારો કરતા કહ્યું.
બાળકે માથું ધુણાવીને  રવિ તરફ જવાની ના પાડી અને તેની મમ્મી ની પાછળ સંતાવાનુ ચાલુ રાખ્યુ.
“અર્જૂન, તને પપ્પા બોલાવે છે ને? તો જા એમની પાસે અને કહે એમને કે તે શું કર્યું છે.”
છતાં પણ બાળક તેની મમ્મી ની પાછળથી બહાર નહોતો આવી રહ્યો અને હવે તેના મમ્મી ના દુપટ્ટા નો તે સંતાવા માટે ઉપયોગ કરી રહ્યો હતો. રવિ તે બાળક પાસે ગયો અને ઘુંટણિયા ભર અર્જૂન ની સામે બેસી ગયો
અને ગ્રીષ્મા ત્યાંથી ખસી ગઈ.
“મારા દીકરાએ શું કર્યું છે અને તે ડેડી થી આટલો ડરી કેમ રહ્યો છે?” રવિ એ વ્હાલ થી પુછ્યુ.
“આ જો, પેન્સિલ બોક્સ” ગ્રીષ્મા તેના હાથ માં લઈ ને રવિ ને બતાવી રહી હતી જેના ઉપર અર્જુન નુ ફેવરિટ કાર્ટૂન દોરેલુ હતું. 
“આ અર્જુન એની સ્કૂલમાંથી કોઈનું ચોરીને લાવ્યો છે, મેં તેની બેગમાં જોયું”
“અર્જુન, આ બોક્ષ્ કોનું છે? ડેડી તો તારા માટે ક્યારેય નથી લાવ્યા. તને કોઈએ ગીફ્ટ કર્યુ છે?” એ બાળકે માથું હલાવી ને ના પાડી.
“એણે મને કહ્યું છે કે તે વરુણ નું બોક્સ છે અને તે એની બેગ માંથી ચોરી ને લઈ આવ્યો છે” ગ્રીષ્મા એ કહ્યુ.
“અરે આ તો બહુ ખરાબ આદત છે બેટા, હવે વરુણ શું કરશે એનું બોક્સ ખોવાઈ ગયું એટલે એ હવે રડશે ને?” રવિ એ અર્જૂન ને સમજાવતા કહ્યુ.
“તને ખબર છે એણે મને શું કહ્યું, વરુણ રડે નહીં એટલે એ પોતાનુ પેન્સિલ બોક્સ એની બેગ માં મૂકીને આવ્યો છે અને એનું પેન્સિલ બોક્સ પોતે લઈ આવ્યો છે.”
 રવિને પોતાના દીકરાના આ કાર્ય પર હસવું આવી રહ્યું હતું પણ તેણે રોકી રાખ્યું કારણ કે તે જાણતો હતો કે જો તે વાત ને હસી કાઢશે તો અર્જૂન વાત ને હળવે થી લઈ લેશે અને આવી રીતે વસ્તુ ચોરવાનું ચાલુ રાખશે. 
રવિ ઉભો થયો અને અર્જુનને પોતાની સાથે બહાર લઈને ગયો.

અર્જુન ને પોતે જે કર્યું તેના માટે ખરાબ લાગી રહ્યું હતું કારણકે તેની સજારૂપે તેના પપ્પા તેને ખિજવાયા કે તેને માર્યો પણ નહોતો. રસ્તામાં તેમને એક ભિખારી મળ્યો જે લોકો પાસે પૈસા માગી રહ્યો હતો.
તેને જોઈને રવિએ અર્જુન ને એક સિક્કો આપ્યો અને એ સિક્કો તે ભિખારી ને આપવા કહ્યું.
“અર્જુન, તે એ સિક્કો એ ભિખારી ને કેમ આપ્યો? તું એને તારી પાસે રાખી શક્યો હોત ને.” રવિ એ અર્જૂન ને પુછ્યુ.
“ડેડી એ ગરીબ છે એની પાસે પૈસા નથી એટલે” અર્જૂન એ જવાબ આપ્યો.
 “ઓહ, તો તું ભિખારી છે? તે વરુણ પાસેથી પેન્સિલ બોક્સ કેમ લઈ લીધું?”
“ના પપ્પા, હું ભિખારી નથી” 
“ તો કાલ જ વરૂણ ને તેનું પેન્સિલ બોક્સ પાછું આપી દેજે અને કહી દેજે કે હું ભિખારી નથી કારણકે સારા લોકો ખોટા કામ ન કરે, જો તું આવું કરીશ તો તારા માટે હું નવું પેન્સિલ બોક્સ લઈ આવીશ.” રવિ એ અર્જૂન ને સમજાવ્યુ.
અર્જૂન એવુ કરવા માટે માની ગયો અને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ પછી તેઓ ઘરે પાછા ગયા. પછીના દિવસે અર્જુનના ટીચરે અર્જુનની ડાયરીમાં લખી આપ્યું કે “તમારો છોકરો ખુબ જ પ્રમાણિક છે. તમને એમના પર ગર્વ હોવો જોઈએ.”
 થોડા દિવસ પછી ગ્રીષ્મા તેના કામમાં ખોવાયેલી હતી જેથી અર્જુનને સ્કૂલ થી લાવવાનું કામ રવિ એ કરવાનું હતું. રવિ પોલીસ ઓફિસર હતો. તેની ડ્યુટી પૂરી ન થઈ હોવાને કારણે તે અર્જુનને સ્કૂલેથી સીધો પોલીસ સ્ટેશન લઇ આવ્યો.  અર્જુન ત્યા બેઠો  બેઠો બધુ જોઈ રહ્યો હતો.    
    ત્યાં અચાનક એક ભાઈ  આવ્યા અને રવિ ને કહેવા લાગ્યા કે, “સર, તમે જેને જેલ માં પુર્યો છે એ મારો દીકરો છે. તમારે જે જોઈએ એ હું તમને આપીશ પણ એને છોડી દો.”
     રવિ એ થોડીવાર કંઈક વિચાર્યું અને પછી કોન્સ્ટેબલ ને ઈશારો કર્યો કે જેલ પાછળ જે છોકરો છે એને છોડી દેવામાં આવે. એ ભાઈ હસ્યા અને રવિના હાથમાં 500 રૂપિયાનું બંડલ મૂક્યું તેમાંથી થોડાક પૈસા કોન્સ્ટેબલને પણ આપ્યા. જ્યારે ઘરે જવાનો સમય આવ્યો ત્યારે રવિ એ અર્જૂન ને ગાડી માં બેસાડ્યો. અર્જૂન ચૂપચાપ બેસી રહ્યો હતો તેને જોઈને રવિ એ તેને પૂછ્યું કે “આજે સ્કૂલ કેવી રહી?”
અર્જુન હજુ પણ શાંત હતો અને નીચુ જોઈને બેસી રહ્યો હતો. થોડીવાર પછી તેણે ઊંચું જોઈને તેના પપ્પાને પૂછ્યું કે “ડેડી, તમે ભિખારી છો??”       

મોરલ: તમારુ બાળક તમે જે 'કહો' છો એ નહિ પણ તમે જે 'કરો' છો એ વધારે શીખે છે!

Comments

Popular posts from this blog

મારો પરિચય

तो ये है तापसी पन्नू की सुंदरता का राज़

आपका लिपस्टिक कलर क्या कहता है आपके बारे में?